આજે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ છે : બ્લોગ શરૂ કરવા માટે આ દિવસ ખૂબ જ પ્રસ્તુત લાગ્યો એટલે આ પોસ્ટ.
આ દિવસ કેન્દ્રિત છે ઉદાસી રોગ પર. આ રોગ વિષે આમ તો અગાઉ પ્રસિદ્ધ કરેલ મારી પુસ્તિકા આજે આપની સમક્ષ છે.
આ દિવસ કેન્દ્રિત છે ઉદાસી રોગ પર. આ રોગ વિષે આમ તો અગાઉ પ્રસિદ્ધ કરેલ મારી પુસ્તિકા આજે આપની સમક્ષ છે.
ઉદાસીરોગ શું છે?
સુખ અને દુ:ખ, આનંદ અને ઉદાસી જીવન સાથે જોડાયેલાં છે. કશુંક માઠું બની
જાય છે તો આપણે ઉદાસ બની જઇએ છીએ. આવી ઉદાસી સ્વાભાવિક છે. સંજોગો બદલાતાં
આવી ઉદાસી દૂર થઇ જાય છે. પરંતુ જો ઉદાસી
- કારણ વગર થયેલી હોય
- કારણના પ્રમાણમાં
લાંબો સમય ચાલે
- કામકાજ, સામાજિક સંબંધો અને
રોજિંદી પ્રવ્રુત્તિઓ પર અસર થાય
તો તે અસામાન્ય કહી શકાય.
ઉદાસીરોગ શરીર, લાગણીઓ અને વિચારોને અસર કરે છે. તે વ્યક્તિનાં
ભૂખ, ઊંઘ, કામ કરવાની
ધગશ
તથા દુનિયા વિશેના ખ્યાલોને અસર કરે છે.આ ફક્ત અમુઉક જ કલાકો રહેતી સાધારણ ઉદાસી
નથી,એ
વ્યક્તિની અંગત નબળાઈ પણ નથી.સ્વજનોની સલાહ મુજબ ઉદાસીરોગ ધરાવતી વ્યક્તિ
‘મન
મક્કમ કરી’ ઉદાસીરોગ પર કાબૂ કરી શકતો નથી. સારવાર વિના ઉદાસી રોગનાં લક્ષણો મહિનાઓ કે વરસો સુધી ચાલી શકે છે.એ
દુ:ખની વાત છે કે મોટા ભાગના રોગીઓ પોતે મટી
શકે તેવાં એક રોગથી પીડાય છે એ પણ જાણતા નથી, સારવાર લેતાં નથી અને પીડા
અનુભવે છે.એમને લાગે છે કે એમની તકલીફો શારીરિક કારણોને લીધે છે, ઊંઘ બરાબર આવતી
નથી એને લીધે છે કે અશક્તિ કે નબળાઈને લીધે છે. જો યોગ્ય સારવાર લેવામાં આવે તો
ઉદાસીરોગના ૮૦થી ૮૫ ટકા દર્દીઓ ચારથી છ અઠવાડિયામાં જ પૂરેપૂરા સાજા થઇ શકે છે.
ઉદાસીરોગ કોને થાય છે?
ઉદાસીરોગ મોટા પ્રમાણમાં જોવા મળતો રોગ છે. તે કોઈને પણ થઇ
શકે છે- સ્ત્રી કે પુરૂષ, ભણેલા કે અભણ, ગરીબ કે ધનવાન કોઈને પણ થઇ શકે છે. ઉદાસી રોગની શરૂઆત મોટેભાગે
૨૦થી ૫૦ વરસની ઉંમરે થાય છે. દર૧૦૦ એ ૨૦ સ્ત્રીઓને અને દર ૧૦૦એ ૧૦ પુરૂષોને એમના
જીવનકાળ દરમ્યાન ક્યારેક તો ઉદાસીરોગ થાય છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના એક અંદાજ મુજબ સને 2020 સુધીમાં તમામ
રોગો જેનાથી માનવજાતને સામાજિક આર્થિક બોજ પડે છે તેવા તમામ રોગોમાં બીજા નંબરે
પહોંચી જશે.
ઉદાસીરોગનાં લક્ષણો
જો નીચેનાં લક્ષણો બે
અઠવાડિયાં કરતાં વધારે લાંબો સમય ચાલે, વ્યક્તિને સંતાપ
થાય અને કામકાજ અને સામાજિક સંબંધોમાં તકલીફ પડે તો ઉદાસીરોગનું નીદાન થઇ શકે છે.
1.ઉદાસીરોગમાં જો કોઇ ખાસ લક્ષણ હોય તો તે છે
ઉદાસી. મન સતત, લગભગ આખો દિવસ
ઉદાસ રહે છે, આ ઉદાસી કોઇ રીતે
હટતી નથી.કેટલાક દરદીઓમાં
મન ઉદાસ રહે છે એવી ફરિયાદ કરવાને બદલે પહેલાં જે બબતોમાં ખાસ આનંદ થતો હતો તેમા મજા
આવતી નથી એમ જણાવે છે.
2.ઊંઘની તકલીફ: ઊંઘ મોડી આવે છે, વચ્ચે આંખ ઉઘડી
જાય છે. ખાસ તો સવારે રોજ
કરતાં વહેલી ઊંઘ ઉડી જાય અને પછી ઊંઘ ન આવે એ ઉદાસીરોગનું લક્ષણ છે.કેટ્લાકને તાજગીદાયક ઊંઘ આવતી નથી કે ગાઢ ઊંઘ આવતી નથી. કેટલાક કિસ્સામાં
વધારે પડતી ઊંઘ આવે છે
3.ભૂખ લાગતી નથી, વજન ઘટે છે.
4.અશક્તિ- નબળાઇ લાગે છે , જલદી થાક લાગે છે. જુદાંજુદાં ઘણાં
શારીરિક લક્ષણો- દા.ત. માથાનો દુખાવો, કમરનો દુખાવો, શરીરમાં કળતર વગેરે ફરિયાદ સાથે દરદી ડોકટર પાસે જાય છે. ડોકટરની તપાસમાં
કોઇ શારીરિક કારણ જણાતું નથી.આપણા દેશમાં ઉદાસીરોગના તમામ દરદીઓ શારીરિક ફરિયાદો સાથે જ
ડોકટર પાસે જાય છે,જો યોગ્ય નીદાન ન
થાય તો દરદીની તકલીફ દૂર થતી નથી, વળી એણે અનેક તપાસ કરાવવી પડે છે અથવા બિનઅસરકારક અને
ખર્ચાળ દવાઓ આપવામાં આવે છે.
5.એકાગ્રતા રહેતી નથી, નિર્ણય લેવામાં
તકલ
6.બોલવું, ચાલવું,વિચારવું ધીમું પડી જવું કે ઝડપી બની
જવું, રઘવાટ થવો
7.પોતાના વિશે, દુનિયા વિશે અને
ભવિષ્ય વિશે નકારાત્મક વિચારો:
’ હું નકામો છું, હું કંઇ કરી નહીં
શકું, હું મારા કુટુંબ
પર ભારરૂપ છું’ ‘ હું પાપી છું, મેં માફ ન થઇ શકે
તેવાં કામ કરેલાં છે’ એવા ખોટા નબળા વિચારો. કે કશું સારું
નહીં થાય એવા નિરાશાભરેલા વિચારો.
8. આ જીવન જીવવા જેવું નથી, આના કરતાં તો મરી
જાઉં તો સારું.એવા મરણના
વિચારો..આપઘાતના વિચારો
કે કોશિશ.
ઉદાસીરોગના મોટાભાગના
દરદીઓ સારવાર લેવા જતા નથી. કારણકે તેમને એ ખબર હોતી નથી કે તેમને ઇલાજથી
મટી શકે તેવો રોગ છે.અશક્તિને લીધે કે કશું સારું નહીં થાય એવી
નિરાશાને લીધે તેઓ સારવાર કરાવતા નથી અને પીડા ભોગવે છે.
ઘણીવાર કુટુંબીજનો અને
કામકાજના સાથીઓ દરદીની તકલીફ સમજી શકતા નથી કેમકે દરદી દેખીતી રીતે બરાબર લાગે છે
તેથી જો તે કામકાજ ન કરી શકે તો સહાનુભૂતિ બતાવવાને બદલે, ‘કામ કરતાં જોર
આવે છે’, ‘નાટક કરો છો’, ‘ઢોંગ કરો છો’, ‘શાની ઉદાસી? મન મક્કમ કરો’ એવી ટીકા કરે છે
કે નકામી સલાહ આપે છે. આનાથી દરદીની તકલીફ વધી શકે છે.
ઉદાસીરોગનું મોટામાં મોટું જોખમ આપઘાત છે.આપઘાતથી મરણ
પામનારા લોકોમાં 80 ટકાથી વધારે
લોકોને ઉદાસીરોગ હોય છે.2002 વરસમાં આખી દુનિયામાં 10 લાખ લોકો આપઘાતથી
મરણ પામ્યા હતા.
મરણ માટે સૌથી અગત્યનાં
પ્રથમ દસ કારણોમાં આપઘાતનો સમાવેશ થાય છે.15થી24 વરસની ઉંમર વચ્ચે
મરણનાં કરણોમાં આપઘાત ત્રીજા ક્રમે આવે છે.
ઉદાસીરોગના 15 % દરદીઓ
આપઘાતથી મરણ પામે છે.
મોટાભાગના
આપઘાતની કોશિશ કરનારા અને આપઘાતથી મરણ પામનારા પોતાની આપઘાતની ઇચ્છા કુટુંબીજનો, મિત્રો,કે ડોકટરો આગળ વ્યક્ત કરે છે.
જો કોઇ આપઘાતની વાત કરે તો તેને ગંભીરતાથી લેવી જોઇએ અને વહેલામાં વહેલા માનસિક રોગના નિષ્ણાત પાસે નીદાન
કરાવી સારવાર આપવી જોઇએ જેથી આપઘાતનું જોખમ ટાળી શકાય. આપઘાતનું સૌથી વધારે જોખમ
ઉદાસીરોગના બે તબક્કે રહે છે: એક તો લાચારી, નિરાશા, હતાશા વગેરે વધારે હોય તે તબક્કામાં અને સારવાર
દરામિયાન દરદી ઉદાસીમાંથી બહાર આવતો હોય ત્યારે.
ઉદાસીરોગ
કેમ થાય છે?
શારીરિક, માનસિક અને સામાજિક
એમ ત્રણ પ્રકારનાં પરિબળોથી ઉદાસીરોગ થઇ શકે છે.
1.વારસો:
અમુક કુટુંબોમાં ઉદાસી
વારસાગત હોઇ શકે. ઉદાસીરોગ ધરાવતાં મતા કે પિતાનાં બધાં સંતાનોને અચૂક ઉદાસીરોગ
થતો નથી.પરંતુ ઉદાસીરોગનું જોખમ વધે છે.
2.મગજમાં જીવરસાયણોમાં ફેરફાર
ઉદાસીરોગ ધરાવતા લોકોના મગજમાં અમુક ફેરફારો જોવા મળે છે. મગજ એકબીજા સાથે જોડાયેલા લાખો ચેતાતંતુઓનાં ગૂંચળાંનું બનેલું છે. ચેતાતંતુઓ વચ્ચે ચેતાસંદેશાવાહક કે ન્યુરોટ્રાંસ્મીટર નામે ઓળખાતાં જીવરસાયણોની યોગ્ય કામગીરીથી સંદેશાવહન થય છે. આ રસાયણોમાં સીરોટોનીન અને નોરએપીનેફ્રીનની કમી ઉભી થાય તો ઉદાસીરોગ થઇ શકે છે.
3, તણાવજનક બનાવો:
જીવનમાં બનતા નકારાત્મક બનાવો જો અણધાર્યા કે એક પછી
એક સતત આવ્યા જ કરે તો તે ઉદાસીરોગ માટેનું એક અગત્યનું પરિબળ બને છે. આવા
બનાવોમાં વ્યક્તિ ખોટ અનુભવે છે કે લાચારી, મજબૂરી અનુભવે છે કે તે કંઇ જ કરી શકે
તેમ નથી.
તણાવજનક બનાવો
- સ્વજનનું મરણ: ખાસ પતિ કે
પત્નીનું મરણ
- નોકરી ગુમાવવી, બેકાર થઇ જવું
- પૈસાટકાની મુશ્કેલી
- ખોડ રહી જાય તેવા અકસ્માત
- લાંબા ગાળાની શારીરિક બીમારી
- કુદરતી હોનારત- ભૂકંપ, પૂરના
ભોગ બનવું કે હિંસા, બળાત્કાર કે જાતીય શોષણના ભોગ બનવું
- લાંબાગાળાની શારીરિક બીમારી
ધરાવતા સ્વજનની સંભાળ
4. શારીરિક રોગો ખાસ અંત:સ્ત્રાવોના રોગ દા.ત.ગલગ્રંથિનો ઓછો સ્ત્રાવ(હાયપોથાઇરોડીઝમ) અને મગજના રોગોમાં
ઉદાસીરોગ જોવા મળે છે.à
5.માનસિક રોગો: ઉન્માદ, ચિંતારોગ, દારૂ અને નશીલાં દ્રવ્યોના
વ્યસનની સાથે સાથે ઉદાસીરોગ પણ થઇ શકે છે.
6.દવાઓ: રોગોની સારવારમાં આપવામાં આવતી કેટલીક દવાઓથી
ઉદાસીરોગ થઇ શકે છે.
આપઘાત
દુનિયામાં દર વરસે દસ લાખ લોકો આપઘાતથી મરણ પામે છે
કોઇ પણ ઉંમરના અને
સમાજ- ધર્મ-વિસ્તારના લોકો આપઘાતથી મરણ પામે છે અને પોતાની પાછળ રહી ગયેલાં
કુટુંબીજનો, મિત્રો, સાથીદારો અને સમાજને અસર કરે છે. એક આપઘાત નિકટની બીજી ઓછામાં ઓછી સાત વ્યક્તિઓના જીવન પર વિપરીત અસર કરી શકે
છે.
જ્યારે વ્યક્તિ હું
કશું કરી શકું તેમ નથી એવી લાચારી અનુભવે છે અને કશું સારું નહીં થાય એવી નિરાશા
અનુભવે છે કે પોતે નકામો છે તેવી લાગણી થાય છે ત્યારે એને આપઘાત
એ જ એક માત્ર રસ્તો દેખાય છે. આપઘાત માટે ઉદાસીરોગ એ મુખ્ય જોખમકારક પરિબળ છે.
આપઘાત માટે જોખમી પરિબળો:
§
સ્ત્રીઓ
કરતાં પુરૂષો 4 ગણા વધારે આપઘાતથી મરણ
પામે છે
§ તરૂણ કે ઘરડા
§ ઉદાસીરોગ મુખ્ય પરિબળ
§ પહેલાં કોશિશ કરેલ હોય તો વધારે જોખમ્
§ દારૂનું સેવન અને વ્યસન્
§ ભ્રમ (Delusions) અને વિભ્રમ(Halluctination)
§ સામજિક ટેકો ન મળવો
§ આપઘાતની પાકી યોજના
§ એકલા હોવું: કુંવારા, વિધવા કે વિધૂર હોવું
§ લાંબા ગાળાની શારીરિક બીમારી
2.આપઘાતનું જોખમ છે કે કેમ તે નીચેના પ્રશ્નો પૂછી જાણો.
આપઘાતના વિચારો વિશે પૂછવાથી વ્યક્તિ આપઘાત કરવા પ્રેરિત થાય છે એવી માન્યતા
ખોટી છે.
તે વ્યક્તિને લાગશે કે તમે તેઓ સંતાપ કેટલો બધો હોઇ શકે તે તમે સમજો છો અને
તમે એને મદદ કરી શકશો.
જો કોઇ - હું મરી જવા માગું છું -એમ કહે તો એને ગંભીર
ગણો, જો તમને લાગે કે વ્યક્તિને આપઘાતનું જોખમ છે તો તાત્કાલિક માનસિક રોગના
નિષ્ણાતની સલાહ અને સહાય મેળવો.
જીવન કેવું લાગે છે?
તમને ક્યારેય એવું થાય છે કે, ‘આના કરતં તો મરી જાઉં તો સારું?’
તમને આપઘાતના વિચારો આવે છે?
તમે એને માટે કોઇ યોજના બનાવી છે?
તમારી પાસે આપઘાત માટે કોઇ સાધનો છે?
તમે કદી આપઘાતની કોશિશ કરી છે?
તમે કોઇને આપઘાતની ઇચ્છા જણાવી છે?
આપઘાતના વિચારો તમે અમલમાં નહીં મૂકો એની મને ખાતરી
આપો છો?
આપઘાત કરી લો તો તમારાં કુટુંબીજનો
અને મિત્રોને શું અસર થશે?
તમારી સમસ્યામાં કોણ શું કરે તો સારું?
આપઘાત કરવા માગતી વ્યક્તિને કેવી
રીતે મદદ કરવી?
1.વ્યક્તિને એકલી ન રહેવા દો. જો આપઘાતનું જોખમ હોય તો તમે સતત તેની સાથે રહો.. જો તમે સાથે રહી શકો તેમ ન હોય તો બીજી કોઇ ટેકો આપી શકે તેવી
વ્યક્તિને તેની સાથે રાખો.
આવો સાથ કટોકટી
ભરેલી પરિસ્થિતિ દૂર ન થઇ જાય ત્યાં સુધી જરૂરી છે.
2. વ્યક્તિને
માનસિક રોગના ડોક્ટર પાસે કે ઇમરજંસીમાં હોસ્પિટલમાં લઇ જાઓ. 108 નંબર ટેલીફોન કરી
ઇમરજંસી એમ્બુલંસ બોલાવો.
3. જો વ્યક્તિ
દારૂ કે નશીલાં દ્રવ્યોનું સેવન કરતી હોય તો તે બંધ કરાવો.
4. વ્યક્તિ સાથે વાતચીત
કરો. ટીકા કર્યા વિના તેને સાંભળો. એને માન આપો. એની લાગણીઓને અવગણી ન કાઢો.
સમસ્યા પૂરેપૂરી સમજ્યા વિના ઝટપટ સલાહ ન આપો.
5.આગલ જતાં સારું થશે
એવો સધિયરો આપો.
ટીકા કર્યા વિના સાંભળો
§ વ્યક્તિને સાંભળો. તમે નબળા છો, આળસુ છો એમ કહેશો નહીં. નબળાઇ કે આળસુપણાને
લીધે ઉદાસીરોગ થતો નથી. ખરેખર તો વ્યક્તિ પોતાની રીતે પરિસ્થિતિનો સામનો કરવાની
કોશિશ કરે જ છે.
§ વ્યક્તિની ટીકા ન કરો. આવું કેમ થયું? એમ કહી તમારી પોતાની હતાશા વ્યક્ત ન કરો.
§ મન મક્કમ કરો.. કેવી ઉદાસી? ..મજા કરો.. એવી સલાહ આ તબક્કે નકામી છે.
§ જો વ્યક્તિ પોતાને નુકશાન પહોંચાડવા કોશિશ કરે કે જોખમી વર્તન કરે તો તે
ચોક્કસ અટકાવો. પરંતુ એ સિવાય તેની સાથે સંઘર્ષમાં ન ઉતરો.
નિષ્ણાતની
સલાહ અને સારવાર લેવા પ્રોત્સાહન આપો.
ઉદાસીરોગની સારવારમાં વિવિધ નિષ્ણાતો મદદરૂપ થઇ શકે છે
માનસિક
રોગના નિષ્ણાત ડોક્ટર (Psychiatrists) : તેઓ તબીબી તબીબી નિષ્ણાત છે. એઓ એમ.બી.બી.એસ.
પછી એમ.ડી.(માનસિક રોગ) કે ડી.પી.એમ.ની પદવી ધરાવે છે. તેઓ તમામ પ્રકારના ઉદાસીરોગ, ગંભીર તથા લાંબા ગાળાના ઉદાસીરોગમાં પણ મદદ કરી શકે છે. તેઓ દવાઓના નિષ્ણાત
છે. કઇ ઉદાસીનાશક દવાઓ કેટલા પ્રમાણમાં આપવી, કેટલો સમય ચાલુ રાખવી, આડ અસરો
વગેરેના તેઓ ખાસ નિષ્ણાત છે. વીજળીક શેક સારવાર ( બધા જેને શોક ટ્રીટમેંટ તરીકે
ઓળખે છે) ના તેઓ ખાસ જાણકાર છે. ઉદાસીરોગની સારવાર બહારના
દરદી તરીકે લઇ શકાય છે. ખૂબ ગંભીર ઉદાસીરોગ કે આપઘાતનું જોખમ હોય તેવી વ્યક્તિઓને જ દવાખાનામાં દાખલ કરવામાં આવે છે.
ઉદાસીરોગની સારવાર માટે વિવિધ પદ્ધતિઓ છે જેમાં સૌથી વધારે અસરકારક પદ્ધતિઓ નીચે મુજબ છે.
§ ઉદાસીનાશક
દવાઓ
§ વીજળીક શેક સારવાર
§ માનસિક ઉપચાર : મનોચિકિત્સા
ચિકિત્સા મનોવિજ્ઞાની (Clinical Psychologist) : મનોવિજ્ઞાનમાં એમ.એ.કે
પી.એચ.ડી.ની ડીગ્રી ધરાવતા આ નિષ્ણાતો મનોચિકિત્સાની યોગ્ય તાલીમ પામેલ હોય તો
મનોપચારના નિષ્ણાત છે. તેઓ તબીબી ડિગ્રી ધરાવતા નથી, તેઓ ઉદાસીનાશક દવાઓ કે વીજળીક
શેક સારવાર આપી શકતા નથી.
ચિકિત્સા મનોવિજ્ઞાની કઈ રીતે મદદ કરી શકે છે: તેઓ સમસ્યાઓને ખુલ્લા મને રજુ કરવા પ્રોત્સાહન આપે છે. ટીકા કર્યા વગર ટેકો
આપે છે અને વ્યક્તિની તકલીફો સાંભળે છે. ઉદાસીરોગ દૂર કરવા અને તે ફરી ન થાય તે માટે તે ખાસ મનોપચાર
પદ્ધતિઓ અજમાવે છે.
જ્ઞાનમૂલક માનસિક ઉપચાર : આપણા વિચારો આપણી
લાગણીઓ પર અસર કરે છે. જ્યારે કોઇ પોતાના વિશે,
દુનિયા વિશે અને ભવિષ્ય વિશે નકારાત્મક રીતે વિચારે છે ત્યારે તેને ઉદાસીરોગ થાય
છે.
ઉદાસીરોગ ધરાવતી વ્યક્તિને "મને સારું નહીં થાય એવા નિરાશાના અને મને કશું મદદ નહીં કરી શકે એવા લાચારીના
કે હું નકામો છું કે દોષ ભરેલો છું એવા
નકારાત્મક વિચારો આવે છે. જ્ઞાનમૂલક મનોચિકિત્સા આવા બિન ઉપયોગી અને અતાર્કિક
વિચારો પારખવામાં અને તે દૂર કરી વધારે વાસ્તવિક અને તાર્કિક વિચારો કરવા પ્રેરે
છે.
બીજા એક પ્રકારની મનોચિકિત્સામાં વ્યક્તિના બીજાઓ
સાથેના સંઘર્ષોનું સમાધાન કરવામાં, શોક તથા બીજી વ્યક્તિઓ સાથેના સંબંધોમાં થયેલા ફેરફારોનો સામનો કરવામાં અને વધુ
સારા સંબંધો સ્થાપવામાં મદદ કરે છે.
આપઘાતનિવારણ કેન્દ્રોમાં હેલ્પલાઇન દ્વારા- ટેલીફોન વાતચીત દ્વારા કટોકટીના સમયે ટેકો મળી
શકે છે
ફેમીલી
ડોક્ટર:
ફેમીલી ડોક્ટર જો
માનસિક રોગ અંગે તાલીમ પામેલા હોય તો તેઓ મદદ કરી શકે છે. શારીરિક તપાસ કરે છે અને ઉદાસીરોગનાં લક્ષણો કોઇ
શારીરિક રોગને લીધે તો નથીને તેની તપાસ કરે છે, તે ઉદાસીરોગ વિશે વિગતે માહિતી આપી
શકે છે. તે ઉદાસીનાશક દવાઓ પણ આપી શકે છે.ઉદાસીરોગના યોગ્ય નિદાન માટે અને ગંભીર
કે લાંબા ગાળાના ઉદાસીરોગના ઇલાજ માટે તે માનસિક રોગ નિષ્ણાત પાસે જવા સલાહ આપે
છે, વળી તે ઉદાસીરોગના મનોપચાર માટે ક્લીનીકલ સાયકોલોજીસ્ટ કે મનોચિકિત્સક પાસે
જવા ભલામણ કરે છે
ફેમીલી ડોક્ટરે વ્યક્તિને સાંભળવા સમય ફાળવવો જોઇએ.કેટલાક
ફેમીલી ડોક્ટર ઉદાસીરોગના નિદાન અને સારવાર માટે જોઇતું જ્ઞાન અને કૌશલ્ય ધરાવે છે
તો કેટલાક ફેમીલી ડોક્ટર આવું ગ્નાન અને કૌશલ્ય ધરાવતા નથી.
કુટુંબીજનો અને મિત્રો:
ઉદાસીરોગમાં જો
કુટુંબીજનો અને મિત્રો ટેકો પૂરો પાડે તો ઉદાસીરોગ વહેલો મટી શકે છે.કુટુંબીજનો
અને મિત્રો આ રીતે મદદ કરી શકે.
§ ઉદાસીરોગ ધરાવતી વ્યક્તિએ ટીકા કર્યા વગર, ઉતારી પાડ્યા સિવાય સહાનુભૂતિપૂર્વક
સાંભળવા. ‘આળસુ થઇ ગયા છો, કામ કરતાં જોર આવે છે, આવી નબળાઇ ન ચાલે, હાથે કરીને હેરાન
થાઓ છો- એવી ટીકા ન કરો.
§ ઉદાસીરોગ ધરાવતી વ્યક્તિનું આપઘાતનું
જોખમ ચકાસવું અને જો આવું જોખમ જણાય તો તાત્કાલિક નિષ્ણાત પાસે લઇ જવા.
§ નિષ્ણાત પાસે લઇ જાઓ ત્યારે તેમને જરૂરી માહિતી આપવી. અગાઉ ઉદાસીરોગ થયેલ હતો
ત્યારે શું શું થયું હતું, કઇ દવાઓ આપવામાં આવી હતી,કઇ દવાઓથી સારું થયું હતું, તકલીફ કેટલો સમય
ચાલી હતી વગેરે માહિતી યોગ્ય સારવાર માટે
જરૂરી છે. સારવારના જૂના રેકોર્ડ સાચવી રાખવા અને ડોક્ટરને બતાવવા.
§ આપણા સ્વજનને જો શારીરિક રોગ થયેલ હોય અને જેટલો ટેકો આપીએ અને સંભાળ લઇએ છીએ
અને સારવાર અપાવીએ છીએ. આપણા સ્વજનને જો ઉદાસીરોગ થયેલ હોય તો એને આ રીતે જ મદદ
કરવી જોઇએ. તેની ખબર અંતર પૂછવી, મળવા જવું, કામકાજમાં મદદ કરવી.
યાદ રાખો:
·
ઉદાસીરોગ વસ્તીમાં મોટા પ્રમાણમાં થતો રોગ છે
·
ઉદાસીરોગની સારવાર લેવામાં ણ આવે તો આશય માનસિક
સંતાપ ઉપરાંત વ્યક્તિ બરાબર કામકાજ ણ કરી શકે અને સામાજિક સંબંધોમાં તકલીફ ઊભી
થાય, ક્યારેક રોગી આપઘાત પણ કરી બેસે છે.
·
દવાઓ, વિજળીક શેક સારવાર, મનોચિકિત્સા તથા
સ્વજનોના સાથથી ગંભીરમાં ગંભીર ઉદાસીરોગ પણ ચારથી છ અઠવાડિયાંમાં પૂરેપૂરો મટાડી
શકાય છે.
Well begun is half done.
ReplyDeleteBest wishes.
થેંક યુ ડોક્ટર. આવી ખૂબ ઉપયોગી માહિતી વ્યાપક ફેલાવો ધરાવતા જાહેર અને ખાનગી માસ મીડિયા થકી લોકો સુધી પહોંચે તો કેવું સારું ? લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને હાનિકારક એવી અંધશ્રદ્ધાભરી સાપ્તાહિક કે દૈનિક ભવિષ્યકથનની કોલમો કરતા તો આપના જેવા વિદ્વાનોને આ વર્તમાનપત્રોએ સામે ચાલીને કોલમ લેખન માટે નિમંત્રણ આપવું જોઈએ. ડોક્ટર સાહેબ, ક્યારેક તો એવું લાગે છે કે આવા વૈજ્ઞાનિક ઉપચાર હોવા છતાં આપણી આ સરકારો અને આપણો આ સમાજ લોકોને જાણીબૂઝીને પેલા જ્યોતિષીઓ ને વિચ-ડોકટરોને હવાલે કરી દે છે, જેઓ ઉદાસી અને અન્ય માનસિક રોગોથી પીડાતા લોકોની લાચારીનો ભરપૂર ગેરલાભ ઉઠાવે છે ! ૧૦૧ % થી ૧૦૦૧ % ની ખાતરી આપીને આવા માનસિક રોગો મટાડવાની જાહેરાતોથી પેપરો ઉભરાય છે, પણ સરકાર જાણે આને ક્રાઈમ માનતી નથી અને તેઓ બેરોકટોક લોકોને લૂટે છે ! એની વે, ડોક્ટર વણકરસાહેબ, આપણો ખૂબ ખૂબ આભાર.
ReplyDelete