Thursday, October 11, 2012

દારૂનું વ્યસન : ડો.પરાગ એસ.શાહ



આજે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય સપ્તાહના બીજા દિવસે એક સળગતી સમસ્યા દારૂના વ્યસન વિષે ડો.પરાગ એસ.શાહ 
  

ડૉ.પરાગ શાહ
એસોસિયેટ પ્રોફેસર અને હેડ 
માનસિક રોગ વિભાગ
સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટીટયુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ
સુરત 
 

દારૂનું વ્યસન એક રોગ છે. દર વરસે આશરે ૨૦ લાખ લોકો અને ભારતમાં ૨ લાખ લોકો દારૂની સીધી અસરને લીધે મરણ પામે છે. દારૂનું વ્યસન સામાન્ય રીતે ૨૦ થી ૪૦ વરસની ઉંમરે શરૂ થાય છે જોકે બાળકો અને વૃદ્ધોને પણ દારૂનું વ્યસન થઇ શકે છે.

કોઈપણ ઉંમરે સ્ત્રીઓ કરતાં પુરૂષોમાં અતિશય પીનારાઓનું પ્રમાણ ૨થી ૫ ગણું વધારે જોવા મળે છે. દારૂનું સેવન ઉંમર, દેશ અને સંસ્કૃતિ પ્રમાણે જુદુંજુદું  હોય છે.આપના સમાજમાં દારૂનો દુરુપયોગ ૧૦ ટકા સ્ત્રીઓ અને ૨૦ ટકા પુરૂષોમાં જોવા મળે છે.દારૂ પીવાની શરૂઆત કરનારા ૩ ટકા સ્ત્રીઓ અને ૧૦ ટકા પુરૂષો દારૂના વ્યાસની કે બંધાણી બની જાય છે.

દારૂનો દુરુપયોગ અને બંધાણ:

જો દારૂનું સેવન ૧૨ મહિના કે વધારે સમય માટે કરવામાં આવે અને નીચેનામાંથી કોઈ તકલીફ હોય તો તેં દારૂનો દુરૂપયોગ કહી શકાય:
§  દારૂના સેવનને લીધે વારંવાર  ઘર, કામકાજ કે શાળામાં તકલીફ
§  દારૂના સેવનને લીધે વારંવાર શારીરિક જોખમ કે નુકશાન
§  દારૂના સેવનને લીધે વારંવાર સામાજિક તકલીફો
§  દારૂના સેવનને લીધે વારંવાર કાયદાકીય  તકલીફો
આ બધી જાણકારી  હોવા છતાં દારૂનું સેવન ચાલુ રાખવું

 જો દારૂનું સેવન ૧૨ મહિના કે વધારે સમય માટે કરવામાં આવે અને નીચેનામાંથી કોઈ ત્રણ તકલીફ હોય તો તેં દારૂનું બંધાણ કે અવલંબન  કહી શકાય:
§  એકસરખા પ્રમાણમાં દારૂ પીવાથી ધીરે ધીરે એની અસર ઓછી થવી
§  દારૂથી જોઈતી અસર માટે દિવસેદિવસે વધારે ને વધારે પ્રમાણમાં પીવાની જરૂર લાગવી
§  દારૂ ઓછો કરવાથી કે સદંતર છોડી દેવાથી અમુક શારીરિક તકલીફો થાય ( વિથડ્રોઅલ અને દારૂ પી લેવાની રોકી નાં શકાય તેવી ઈચ્છા(તલપ) જાગે જે દારૂ પી લેવાથી દૂર થઇ જાય

 દારૂ છોડતાં થતી વીથડ્રોઅલ અસરો
§  હાથમાં કંપારી, ધ્રુજારી
§  પરસેવો વળવો, નાડીના ધબકારા વધવા
§  ઉંઘ ન આવવી
§  ઉબકા, ઉલટી
§  ચિંતા, જલદી ખીજાઇ જવું
§  રઘવાટ
§  જોવાના, સ્પર્શ અને સાંભળવાના વિભ્રમ
§  તાણ-આંચકી
§  સનેપાત

§  દારૂ ઈરાદો હોય તે કરતાં વધારે પ્રમાણમાં કે વધારે લાંબો સમય પીવાય
§  દારૂનું સેવન ઓછું કરવાની  સતત પણ નિષ્ફળ કોશિશ
§  દિવસનો મોટો ભાગ દારૂ મેળવવામાં. પીવામાં. નશામાં કે નાષ્ની અસરમાંથી બહાર આવવામાં પસાર થાય
§  દારૂના સેવનને લીધે કામકાજમાં તકલીફ પડે કે સામાજિક સબંધો બગડે
§  દારૂ પીવાને લીધે વિવિધ શારીરિક અને માનસિક રોગ થાય છે તેની જાણકારી હોવા છતાં દારૂનું સેવન ચાલુ રાખવું



વ્યસનયાત્રા :

વ્યક્તિ દારૂ પીવાની શરૂઆત સામાન્ય રીતે નીચેનામાંથી કોઈ કારણે કરે છે:

§  આનદ, મોજ મઝા માટે
§  જિજ્ઞાસા ખાતર ( દારૂ કેવો લાગે? પીવાથી શું થાય?)
§  મિત્રોના દબાણથી
§  સામાજિક પ્રસંગોએ
§  છૂટથી દારૂ મળે છે
§  ટેન્શન કે દુખ દૂર કરવા
§  મિત્રો કે કુટુંબીજનના અનુકરણ માટે
§  સેક્સપાવર વધારવા


અનિયમિત પણ થોડા પ્રમાણમાં દારૂનું સેવન

 


ધીરે ધીરે શરીર અને મન દારૂની અસરથી ટેવાતા જાય ,

દિવસેદિવસે વધારે ને વધારે પીવાની જરૂર જણાય
તો જ આનન્દ



પીવાનું ઓછું કે બંધ કરતાં વિથડ્રોઅલ અસરો જે દારૂ પી લેવાથી દૂર થાય

દારૂનું બંધાણ કે વ્યસન
 
વ્યસનચક્ર
કોને દારૂનું વ્યસન થાય છે?
દારૂનું વ્યસન દારૂ પીનારા કોઈને પણ થઇ શકે છે ,વ્યસન માટે નીચેનામાંથી ઘણા પરિબળો એકસાથે કામ કરે છે:
વારસો: જેના કુટુંબમાં માતા, પિતા, ભાઈ. બહેન કે પુત્ર-પુત્રીને દારૂનું વ્યસન હોય અને જો વ્યક્તિ દારૂનું સેવન કરે તો , જેના કુટુંબમાં વ્યસન નથી તેવી વ્યક્તિની સરખામણીમાં વ્યસન થવાનું જોખમ ચાર ઘણું વધી જાય છે.
સામાજિક વાતાવરણ: દારૂનો સામાજિક સ્વીકાર, દારૂ પીવા સાથીઓનું દબાણ, દારૂ સહેલાઈથી મળવો, માતાપિતાનો પ્રેમ ઓછો મળ્યો હોય અથવા બાળપણમાં શારીરિક કે જાતીય શોષણ જેવા પરિબળો વ્યસન વધારે છે.
માનસિક પરિબળો: ઓછો આત્મવિશ્વાસ, ઓછી સહનશક્તિ, આવેગ પર કાબૂ ના રાખી શકવો,
અતિગુસ્સો જે   વ્યક્તિ  શમાવી શકતો નથી.
વર્તન અનુભવ: દારૂના સેવનથી વ્યક્તિ દુખાવા , ટેન્શન, હતાશામાં રાહત અનુભવે છે કે આનન્દ થાય છે . આથી વ્યક્તિ વારંવાર દારૂનું સેવન કરે છે.
બીજાં પરિબળો: સતત માનસિક તણાવ, તીવ્ર હરીફાઈ, જાહેરખબરનો પ્રભાવ બીજાં અગત્યનાં પરિબળો છે.



દારૂની અસરો:
ટૂંકા ગાળાની અસરો:
દારૂના સેવનથી મગજ ઉત્તેજિત થાય છે. શરૂઆતમાં શરમ-સંકોચ દૂર થાય છે, માનસિક તણાવ ઓછો થાય છે, આનન્દ થાય છે, બોલવાનું વધે છે.જેમ દારૂ વધારે માત્રામાં લેવામાં આવે તો વ્યક્તિની નિર્ણયશક્તિ અને વર્તન ઊપર અસર થાય છે.બોલવામાં જીભે લોચા વળે છે, ચાલતા લથડિયાં આવે છે, હજી વધારે સેવનથી વ્યક્તિ સમતોલન જાળવી શકતો નથી, પડી જાય છે, બેભાન થઇ જાય છે કે મરણ  પણ થઇ શકે છે.
લાંબા ગાળાની અસરો:
શારીરિક
માનસિક
પેટમાં બળતરા
જઠર, આંતરડાંમાં ચાંદા
લોહીની ઉલટી
કલેજા પર સોજો, કમળો, જલંદર
સ્વાદુપિંડ પર સોજો
વિટામિનની કમી
લોહીનું દબાણ વધવું, હૃદય રોગ
સ્નાયુઓ અને જ્ઞાનતન્તુંઓની નબળાઈ
કેન્સર: ગળા,અન્નનળી,પેટ, કલેજું, આંતરડાં, ફેફસાં અને સ્વાદુપિંડનાં કેન્સર
નપુંસકતા(સંભોગ વખતે ઇન્દ્રિય ટટાર ન થવી
ઊંઘ ન આવવી
યાદશક્તિ નબળી પડવી
ચિંતારોગ
ઉદાસીરોગ
ઉન્માદ રોગ
સનેપાત
ડિમેન્શિયા
તાણ આંચકી

સામાજિક
કૌટુંબિક
આર્થિક
§  સામાજિક સબંધો તૂટે
§  આબરૂ ઓછી થાય
§  શરમ સંકોચ થાય
§  કાયદાનો ભંગ કે સજા
§  મારામારી, તોડફોડ , ઝઘડા

§  કંકાસ
§  પત્ની કે બાળકોને માર
§  કુટુંબનું ધ્યાન ન રાખવું
§  છૂટાછેડા
§  કામકાજ ણ થઇ શકવું
§  કામ ધીમું થવું, ભૂલો થવી
§  અકસ્માત થાય
§  નોકરીમાંથી કાઢી મૂકાય
§  દેવું થાય




વ્યસનમુક્તિ અને સારવાર
જો વ્યાસની દારૂ છોડવાનો દૃઢ નિશ્ચય કરે તો તે તે કુટુંબીજનોઅને મિત્રોના સાથ સહકાર અને ડોક્ટરની સારવાર્થે વ્યસનમુક્ત થઇ શકે છે. વ્યસનમુક્તિના બે તબક્કા છે
પહેલો તબક્કો:
વ્યક્તિની શારીરિક અને માનસિક પૂરેપૂરી તપાસ કરવામાં આવે છે.દર્રૂને લીધે થયેલ શારીરિક તકલીફો અને જીવન પર થયેલ અસર તપાસવામાં આવે છે. વ્યસનીને તેની સંમતિથી દવાખાનામાં દાખલ કરવામાં આવે છે. જો શારીરિક રોગ જણાય તો એનો ઈલાજ શરૂ કરવામાં આવે છે. વળી દારૂ છોડતા થતી વિથડ્રોઅલ અસરો દૂર કરવા માટે ટૂંકા સમય માટે દવાઓ, વિટામીન અને પ્રવાહી આપવામાં આવે છે. આ સમગ્ર સારવાર જે બે થી ત્રણ અઠવાડિયાં ચાલે છે તેને ડીટોકસીફિકેશન કહે છે.
આમ વ્યસનીનું શરીર અપ્રિય શારીરિક અસરોથી મુક્ત થાય તે પછી દરદી અને તેના સ્વજનો સાથે વ્યસન કેમ શરૂ થયું, કેવીરીતે વધ્યું,ક્યા સંજોગોમાં પીવાનું વધી જતું અને વ્યસની દારૂ કેમ મૂકી દેવા માગે છે તેની ચર્ચા કરવામાં આવે છે,દર્દીને દારૂને લીધે થતી જુદીજુદી માનસિક,શારીરિક,સામાજિક અને આર્થિક અસરો વિશે જણાવી વ્યસનથી દૂર રહેવા પ્રોત્સાહન આપવામાં આવે છે.દારૂનું વ્હારણ છોડવું અઘરૂં છે પરંતુ શક્ય છે તીની ઉપર ભાર મૂકવામાં આવે છે. દર્દી અને સગાને પુનઃપતન () વિશે જણાવવામાં આવે છે અને જરૂર પડે ફરી વ્યસન છોડવા સમજાવવામાં આવે છે.
બીજો તબક્કો:
દરદીએ ઘેર ગયા પછી  એ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે તે ફરી વ્યસન શરૂ ના કરી દે. જૂનું વાતાવરણ, જૂના મિત્રો, જૂની જિંદગી ફરી એમને દારૂ પીવા નાં પ્રેરે તે જોવું જોઈએ.
જે વાતાવરણ કે સંજોગો વ્યક્તિને દારૂનું ફરી સેવન કરવા તરફ વાલે તેમ છે તેને બદલવા કોશિશ કરવી પડે.પીનારા દોસ્તની સોબત ટાળવી, ટેન્શન દૂર કરવા યોગ-ધ્યાન જેવી રીતો અજમાવવી, સતત કોઈને કોઈ રચનાત્મક કામમાં પરોવાયેલા રહેવાથી વ્યસનમુક્ત રહેવામાં મદદ મળે છે.દારૂ સિવાય કેમ જીવવું તે ખાસ શીખવું પડે છે: વ્યસન ન હોય તેવાં મિત્રોની સોબત, ફરવા જવું, વાચન, રેડિયો સાંભળવો કે ટી.વી.જોવું.ચિંતા કે તણાવનો સામનો દારૂ વગર કરતાં શીખવું. આલ્કોહોલિક એનોનીમસની મિટિંગમાં નિયમિત જવું. જો આલ્કોહોલિક એનોનીમસ ન હોય તો મહોલા કે ગામના બીજાં વ્યસનમુક્ત થયેલા લોકોનું મંડળ બનાવી નિયમિત મળવું અને પોતાના અનુભવોની આપલે કરવી.
જો વ્યસનીને દારૂ છોડવા મન મક્કમ ના રહેતું હોય તો ડાયસલ્ફીરામ નામની દવા મદદ કરી શકે છે. દવા દરરોજ સવારે   કુટુંબીજનની હાજરીમાં લેવાની હોય છે.ગોળી લીધા પછીના ૪૮ કલાક સુધીના સમયમાં જો કોઈ રીતે દારૂનું સેવન થઇ જાય તો ડાયસલ્ફીરામ- દારૂ રીએક્શન આવે છે જે ગંભીર હોઈ શકે, જાનનું જોખમ પણ થાય. એકવાર ડાયસલ્ફિરામ લીધાં પછી વ્યક્તિ ઓછામાં ઓછાં ૪૮ કલાક દારૂથી દૂર રહેશે.આ દવા ખૂબ સસ્તી છે, લગભગ પિસ્તાલીસ રૂપિયામાં એક મહિનાની દવા ખરીદી શકાય.
હવે એકામ્પ્રોસેટ , નાલ્ટરેક્સોન નામની દવાઓ ઉપલબ્ધ થઇ છે જે દારૂની તલપ ઓછી કરે છે.
જો વ્યક્તિને વ્યસનની સાથે સાથે માનસિક રોગ હોય તો એનો ઈલાજ પણ જરૂરી બંને છે. ચિંતા રોગ અને ઉદાસીરોગ દારૂજ્ના વ્યસનની સાથે જોવા મળતા માનસિક રોગો છે. જો આવો ઈલાજ ના થાય તો વ્યક્તિ ફરી પાછો વ્યસન તરફ વળી જાય છે,
વ્યસનમુક્તિની સારવાર લેવા આવેલ દારૂના વ્યસનમાંથી મુક્ત થયેલ લોકોમાંથી મોટાભાગના લોકો, આશરે ૮૦ ટકા વ્યસનીઓ એકાદ વરસમાં ફરી દારૂનું સેવન ફરી ચાલુ કરી દે છે.તેઓ ફરી દારૂ છોડવા કોશિશ કરે છે, વળી અમુક સમય બાદ ફરીથી દારૂનું સેવન કરે છે.આવી રીતે વારંવાર  દારૂનું સેવન શરૂ કરવા અને મૂકી દેવાના સમય આવે છે અને છેવટે વ્યક્તિ દારૂથી પૂરેપૂરો મુક્ત થાય છે. આમ ઘણી નિષ્ફળતાઓ મળે છતાં વ્યસન છોડવા વ્યક્તિ કોશિશ ચાલુ રાખે તો અંતે
વ્યસન છોડી શકે છે.
આલ્કોહોલિક એનોનીમસ
આલ્કોહોલિક એનોનીમસ અથવા ટૂંકમાં એ.એ. વિશ્વવ્યાપી સ્વેચ્છિક સ્વસહાય સમુદાય છે. એમાં જેમને અગાઉ વ્યસન હતું પરંતુ અત્યારે જેઓ દારૂથી મુક્ત છે તેવાં લોકો બીજાં વ્યસનમુક્ત થવા માગતા લોકોને મદદ કરે છે.પોતાને દારૂના વ્યસનની સમસ્યા છે એવું સ્વીકાર કરનાર  કોઈ પણ વ્યક્તિ જાતિ, ધરમ કે ઉમરના ભેદભાવ વગર મદદ મેળવી શકે છે.
તેઓ બંધબારણે મિટિંગ ગોઠવે છે અને પોતાના વ્યક્તિગત અનુભવો, શક્તિ અને આશાની આપલે કરે છે. કટોકટીના સમયે જ્યારે તલપ જાગે ત્યારે એ.એ.ના સાથીને તે જાણ કરે તો તે સાથ આપે છે અને દારૂથી દૂર રાખે છે.
આલ્કોહોલિક એનોનીમસના સભ્ય થવા  એકમાત્ર જરૂરીયાત છે દારૂ છોડવાની ઈચ્છા. આખી  દુનિયામાં આલ્કોહોલિક એનોનીમસ કાર્યરત છે. ગુજરાતમાં સુરત,ઉધના,  વાપી, વડોદરા, અમદાવાદ અને રાજકોટમાં એની સેવવો મળી શકે છે.


ûદારૂ વિશેની આ માન્યતાઓ ખોટી છે:
û  દારૂ પીવાથી સારી ઊંઘ આવે છે
û  દારૂ પીવાથી ભૂખ વધારે લાગે છે.
û  દારૂથી ટેન્શન દૂર થાય છે,દારૂ  ચિંતારોગ અને ઉદાસી રોગ મટાડે છે.
û  દારૂ સેક્સપાવર વધારે છે, સંભોગમાં વધારે આનન્દ આપે છે
û  દારૂ પીવા સાથે સારૂં ખાવાનું લઈએ તો દારૂથી થતું નુકશાન અટકે છે
û  એક વખત વ્યસન થઇ જાય તો છોડવું અશક્ય છે.
û  એક વખત વ્યસન થઇ જાય પછી દારૂ છોડવામાં મોત થઇ શકે છે
û  વિદેશી દારૂ પીવાથી  કોઈ નુકશાન નથી, જે નુકશાન થાય છે ટે તો ફક્ત દેશી દારૂથી જ.
û  થોડાં પ્રમાણમાં દારૂ લઈએ તો તે દવા છે: દારૂ શરદી ખાંસી મટાડે છે, હૃદયરોગના હુમલા સામે રક્ષણ આપે છે.
û  દારૂ છોડવા કોઈ દવાખાનાની જરૂર   નથી, મન મક્કમ કરીને દારૂ  છોડી  શકાય છે



‘કહ્યા વગર દારૂ છોડાવો ‘
સ્સંમાન્ય રીતે આવી જાહેરાતો ખોટી અને ગેરમાર્ગે દોરનારી હોય છે.જેમ કોઈ વ્યક્તિ પોતાની મરજીથી જ દારૂ પી શકે છે તેમ તે પોતાની મરજીથી જ દારૂ છોડી શકે છે.કોઈ પણ વ્યક્તિની જન બહાર તેનું વ્યસન છોડાવી શકાય નહીં. આ જાહેરાતમાં બતાવવામાં આવતી સારવારમાં ડાયસલ્ફીરામ દવાનો ભૂકો કે પાવડર  જ આપવામાં આવે છે જે વ્યસનીના ખોરાકમાં તેના સગાં તેની જાણ બહાર ભેળવી દે છે. જો આ પછી વ્યક્તિ દારૂનું સેવન કરે તો દારૂ-ડાયસલ્ફીરામ રીએક્શન થાય અને વ્યક્તિનો જાન જોખમમાં મૂકાઈ જાય, મરણ પણ થઇ શકે છે.આમ આવી સારવાર ગેરકાયદે અને જોખમી છે.

કુટુંબીજનો શું કરી શકે?
જ્યારે વ્યક્તિ નશામાં હોય ત્યારે એની સાથે દલીલો કરવા, ગુસ્સો વ્યક્ત કરવા ,ધમકી આપવા કે દારૂ છોડવા આજીજી કરવાનું બેકાર છે, જ્યારે વ્યસની હોશમાં હોય ત્યારે જ આ કરવું જોઈએ.
વ્યસન ચાલુ રહે તે માટે સીધો કે આડકતરો સાથ ના આપો.
વ્યસન ચાલુ રાખવા પૈસા નાં આપો.બીજાઓથી વ્યસન છે એ વાત ન છૂપાવો.કોઈ પણ સંજોગોમાં એ  વ્યસન કરે છે તે ચલાવી નાં લો.
વ્યસન પાછળ કોઈ વ્યક્તિ(પત્ની, પિતા કે માતા) જવાબદાર છે એ માન્યતા છોડો.વ્યસન માટે કોઈ પરિસ્થિતિ ( ટેન્શન કે દુખ) જવાબદાર છે એ માન્યતા છોડો. આવા જ સામાજિક સંબંધો અને પરિસ્થિતિ ધરાવતા અનેક લોકોને દારૂનું વ્યસન નથી. દારૂનું વ્યસન એક રોગ છે ,એ આગળ વધારવામાં કંકાસ કે પરિસ્થિતિ અગત્યનું પરિબળ હોઈ શકે.
વ્યક્તિને ખરાબ કે બેજવાબદાર ગણવાને બદલે તેને રોગ છે એમ ગણી વ્યસનમુક્ત થવા માર્ગદર્શન અને સારવાર લેવા પ્રોત્સાહન આપવું જોઈએ.
વ્યસન  વિશે વધારે જાણો.વ્યસનમુક્તિ કેન્દ્રની મુલાકાત લો અથવા માનસિક રોગના ડોક્ટરને મળો અને સમસ્યાની ચર્ચા કરો.વ્યસન વિશે આ પુસ્તિકા વાંચો અને વ્યાસની સાથે એની વાત કરો.
જ્યારે વ્યક્તિ નશામાં હોય ત્યારે એની સાથે દલીલો કરવા, ગુસ્સો વ્યક્ત કરવા ,ધમકી આપવા કે દારૂ છોડવા આજીજી કરવાનું બેકાર છે, જ્યારે વ્યસની હોશમાં હોય ત્યારે જ આ કરવું જોઈએ.

દારૂના વ્યસનની સારવાર ક્યાં થઇ શકે છે?

વ્યસનમુક્તિ કેન્દ્ર, માનસિક રોગ વિભાગ, સિવિલ હોસ્પિટલ ,અમદાવાદ
વ્યસનમુક્તિ કેન્દ્ર, માનસિક રોગ વિભાગ, શ્રી સયાજી જનરલ  હોસ્પિટલ ,વડોદરા
માનસિક રોગ વિભાગ, નવી સિવિલ હોસ્પિટલ ,મજુરા ગેટ, સુરત
માનસિક રોગ વિભાગ, ગુરૂ ગોવિંદસિંહ  હોસ્પિટલ ,જામનગર
માનસિક રોગ વિભાગ,   સર તખ્તસિંહજી  હોસ્પિટલ , ભાવનગર
માનસિક રોગ વિભાગ, સિવિલ હોસ્પિટલ ,રાજકોટ
માનસિક આરોગ્યની હોસ્પિટલ,અમદાવાદ
માનસિક આરોગ્યની હોસ્પિટલ,વડોદરા
માનસિક આરોગ્યની હોસ્પિટલ,જામનગર
માનસિક આરોગ્યની હોસ્પિટલ,ભૂજ
માનસિક રોગ વિભાગ, સિવિલ  હોસ્પિટલ , બસ ડેપો પાસે, ગાંધીનગર 
માનસિક રોગ વિભાગ, સિવિલ  હોસ્પિટલ , નડિયાદ
માનસિક રોગ વિભાગ, સિવિલ  હોસ્પિટલ , પોરબંદર
માનસિક રોગ વિભાગ, સિવિલ  હોસ્પિટલ , જૂનાગઢ  
માનસિક રોગ વિભાગ, સિવિલ  હોસ્પિટલ , નવસારી  
માનસિક રોગ વિભાગ, સિવિલ  હોસ્પિટલ , ગોધરા  
 માનસિક રોગ વિભાગ, વાડીલાલ  હોસ્પિટલ ,એલિસબ્રિજ ,અમદાવાદ
માનસિક રોગ વિભાગ, એલ.જી.હોસ્પિટલ,મણીનગર, અમદાવાદ 
માનસિક રોગ વિભાગ,શારદાબેન હોસ્પિટલ,સરસપુર,અમદાવાદ
માનસિક રોગ વિભાગ, સી.યુ.શાહ મેડિકલ કોલેજ હોસ્પિટલ ,સુરેન્દ્રનગર
માનસિક રોગ વિભાગ,સુરત મ્યુનીસીપલ ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ, ( સ્મીમેર) હોસ્પિટલ,સુરત 
કનોરીયા હોસ્પિટલ, અમદાવાદ-ગાંધીનગર માર્ગ, ભાટ ગામ,
માનસિક રોગ વિભાગ, કેસર સાલ  હોસ્પિટલ , અમદાવાદ  
માનસિક રોગ વિભાગ, ધીરજ હોસ્પિટલ ,વાઘોડીયા    
સરદાર વલ્લભભાઈ વ્યસનમુક્તિ કેન્દ્ર, શાહીબાગ, અમદાવાદ
પ્રાઈવેટ પ્રેક્ટીસ કરતાં માનસિક રોગ નિષ્ણાતો

No comments:

Post a Comment